મુબારક હો ! આજે પ્રજાનાં રાજને 67 મું બેઠું.

Happy Republican Day 

    આજે 67 મો પ્રજાસત્તાક પર્વ પૂરા દેશમાં ધામધૂમથી ઉજવાયો.

નાના ભૂલકાંઓનાં માસૂમ ચહેરાઓ શાળાઓમાં થતાં કાર્યક્રમોમાં ઝળકવા લાગ્યો. શાળાઓમાં, જાહેર સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકવા લાગ્યો. આકાશ 3 રંગોથી રંગીન થયું. દેશભક્તિનાં કપડાંને ઈસ્ત્રી કરવામાં આવી કારણ કે વર્ષમા બે દિવસ જ એવા આવે છે કે દેશભક્તિનો ઉભરો છલકવા લાગે. દેશભક્તિનાં  જોશીલાં ગીતોની ગૂંજ કાનોમાં સંભળાવા લાગી. આપણા માટે પ્રજાસત્તાક પર્વ એટલે એક રાષ્ટ્રીય તહેવારથી વિશેષ કંઈ નથી.

       ” આનાં કરતાં તો રાજાઓનાં રાજ સારાં હતા. ”

   આ વાત ઘણાંએ મોટેરાંઓનાં મોઢેથી સાંભળવા મળી હશે. આપણાંમાથી લગભગ કોઈએ રાજાઓનાં રાજ જોયાં નથી. બધા વિશ્વનાં સૌથી મોટાં લોકશાહી ધરાવતાં દેશમાં જ જન્મ્યા છે. પ્રજાને પાંચ વર્ષ સૂધી પોતાંનાં મનપસંદ ઉમેદવારને ચૂંટીને તેનો નેતા નીમવાનો અધિકાર છે. બીજી વાર ઉમેદવાર પસંદ ન પડે તો બદલવાની છૂટ છે. સરપંચથી માંડીને પ્રાઈમ મિનિસ્ટર સૂધીનાંઓને તો પબ્લિક પસંદ કરે છે. છતાં દર વખતે છેતરાઈ જવાની ફિલિંગ અંદરખાનેથી થયા કરે છે. કેમ ? પોતાનો નેતા પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખી હતી ? લાયક, ભણેલાં, નેક ઉમેદવારો હારી ગયા હોય ને લુચ્ચા, કપટી, કરપ્ટ ઉમેદવારો જીતી જાય એવું ઘણી વાર બની જાય છે. આનું કારણ શું ?

     ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો પ્રચારમાં જાય, ગરીબડા લોકોને ત્યાં જાય. ત્યાં જઈને શું કરે ? દારૂની રેલમછેલ. રૂપિયા લોકોમાં વેરી દેવાં. સો બસો રૂપિયામાં વૉટ ખરીદવા. પંચાયતી ચૂંટણીમાં એકાદ કરોડ ખર્ચી નાખે. કોક ગામમાં મંદિર બનાવી દે. કોક ગામમાં સમાજમાં ફાળો આપી દે. ક્યાંક નાત જાતનાં  સોગંદ આપી વોટ લઈ લે. હવે વિચાર કરો જેણે ચૂંટણી લડવા અને જીતવા કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હોય તે પહેલા પોતાનાં કવર કરે કે તમારુ ભલું કરે ? સરકાર જે પૈસા લોકો માટે ફાળવે છે તે તો નેતાઓ પોતે પચાવી જાય. સરકાર ગરીબોને એક રૂપિયો આપે પણ ત્યાં સૂધી પહોંચતા પાંચ પૈસા કેમ થઈ જાય છે ? સાઈકલમાં ફરનારો ચૂંટાયાનાં પાંચ વર્ષમાં મર્સીડીઝમાં ફરતો થઈ જાય છે. છે ને નવાઈની વાત ! હત્યા, બળાત્કાર, લૂંટ, ખંડણીનાં કેસોમાં હવાલાતની હવા ખાનારનું નેક્સ્ટ ડેસ્ટિનેશન વિધાનસભા કે સંસદ કેમ હોય છે ?

     કારણ કે એક લાયક ઉમેદવારને આપણે આગળ આવવા દેતા નથી. રાજકારણને કરપ્શન અને પૈસા કમાવવાનાં શોર્ટકટ રસ્તા તરીકે જોઈએ છીએ. આપણે ઉમેદવાર પાસેથી પૈસા કે નાસ્તા પાણીની આશા રાખીએ છીએ. હવે કહો વાંક કોનો ?

      રાજાશાહી ખરાબ ન હતી. ગોંડલનાં રાજા ભગવતસિંહ, ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહ, વડોદરાનાં સયાજરાવ ગાયકવાડનાં સુશાસન હતાં તો જૂનાગઢનાં નવાબ અને હૈદરાબાદનાં નિઝામનાં કુશાસન જેવા ઉદાહરણો પણ હતા. સરદાર પટેલે પોતાની કુનેહથી 562 રજવાડી ધ્વજને એક તિરંગા નીચે લાવી દીધા જેથી પ્રજાને સાચી આઝાદી મળે.

   ” રાજાઓનાં રાજ મૂકાવ્યા
           ધન્ય વીર વલ્લભ સરદાર ”

   પહેલાં તો આપણે બદલવું પડશે. બાવળ વાવીને કેરીની આશા ન રખાય. ખોટા ઉમેદવારને ચૂંટશો તો ભોગવવું તો પડે. 125 કરોડની જનતા અને 90 કરોડ મતદારો ( જી હા , આ સંખ્યા અમેરિકાની ટોટલ વસ્તીનાં 3 ગણાં છે. ) દર વખતે પોતે જ ચૂંટેલાં ઉમેદવારોથી છેતરાઈ જાય છે તો સમજવા જેવું ખરુ.

    મતદાન ફરજિયાત કરો પણ નિષ્પક્ષ, પૂર્વગ્રહથી દૂર રહી, પૂરી સમજદારીથી કરો. દેશને આગળ લાવવા શિક્ષિત, સમજદાર, દેશભક્ત  પ્રજાનું યોગદાન જરૂરી છે.

    પ્રજાસત્તાક પર્વનું સન્માન કરો.

Posted from WordPress for Android

Advertisements

साहब , ओ साहबजी , जरा सुनते हो ?

# સાહેબની સાહ્યબી # 
        

છે ગરીબોના ઘરમાં તેલનું એક ટીપું દોહ્યલું,
    ને  અમીરોની કબર પર ઘીનાં દીવા  થાય છે.

   
   આપણા ભારત દેશ ની પ્રજા ભલે ગરીબ હોય પણ તેનાં નેતામાં તેની ગરીબીનો કોઈ અંશ જોવા ન મળતો હોય. મત માટે લોકોનાં ઘર સૂધી અને  રસ્તા પર એડી ઘસતો લોકમતથી ચૂંટાઈને પાંચ જ વર્ષમાં ઓડીમાં ફરતો થઈ જાય. ખેર, ગરીબોની ગરીબી દૂર થાય કે ન થાય પણ રાજકારણમાં જઈને એક તો સદ્ધર થાય છે ને ! હવે આમાં ઘણા રાડારાડ કરી મૂકે કે ફલાણા નેતાએ આટલા વર્ષોમાં અબજો રૂપિયા બનાવી લીધા. ભાઈ, એ તો એની આવડત છે પબ્લિકને મૂરખ બનાવવાની. તમારામાં એ તેવડ હોય તો તમેય ઘુસો ને રાજકારણમાં. રાજકારણ તો કમાઉ દીકરા જેવો બિઝનેસ છે. અહીં સરપંચથી માંડી પીએમ સૂધીનાં બધાને ચાંદી ચાંદી છે પછી દેશમાં ભલે મંદી હોય.

    કોઈ એમ કહે કે આના કરતા તો રાજાશાહી સારી હતી તો રાજા જલસા કરતા ન હતા ? કરોડો ખર્ચી સતા મેળવી હોય પછી એ પહેલા પોતાનું ભેગુ કરે કે તમારુ સાંભળે ? એમના ઘરેય એમના પત્ની હોય, એમની ડિમાન્ડ હોય. સમજો યાર. રાજા મહારાજા પણ જલસા કરતા. ભૂલી ગયા ? ગધેડાની જેમ ખેડૂત ખેતરમાં જોતરાવીને અનાજ ભેગુ કરે અને તેની ઉપર આરામથી ટેક્સ લગાવી તિજોરીઓ ભરતા. રાજાઓ પોતાનાં સીઝનલ મહેલો અને બગીચાઓ બનાવતા. શિયાળામાં આ મહેલ હોય તો ઉનાળામાં બીજો, વળી ચોમાસામાં તો કંઈક ઓર જ ગોઠવણ હોય. પોતાની મનગમતી રાણી જોડે ફૂલોથી મઢેલા હીંચકામાં થોડા હીંચકા ખાય. રાણીઓનો ય પાર ન હોય. આપણાથી તો એકનાંય ખર્ચા પણ હેન્ડલ ન થાય ને આ રાજાઓને અર્ધો  ડઝન તો રાણીઓ હોય. બધી જાણે જ્વેલરીનાં હાલતા ચાલતા શો રૂમ જેવી.

    અમુક વળી રિસાંય જાય તો તેને મનાવવા કંઈક હીરા અને સોનાની ભેટ કે મહેલ આપવામાં આવે. કોઈ વળી મહારાજ કી જય હો એમ કહી સારા સમાચાર આપે તો રાજા સોનાનો ચેન, વીંટી જે હોય એ આપી દે. આ બધો વટ જાળવવો તો પડે ને ! શાહજહાંએ મરેલી મમતાજની કબર બનાવવા 22 વર્ષ લગાડ્યા. માણસનાં ઘરને બંધાતા એક વર્ષ પણ માંડ થાય છે. પણ આ તો બાદશાહ. નબળી વાત હોય ?

#   પ્રજાની કમાણી કબરમાં સમાણી    #

 
   પેલા મહોબતખાન જૂનાગઢવાળા યાદ છે ? તે મહારાજને કૂતરાઓનો ભારે શોખ. તેણે તો ઢગલાબંધ કૂતરાઓ – કૂતરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતા. માણસો પોતાનાં દીકરાનાં લગ્નમાંય એટલો ખરચ ન કરે પણ આ તો રાજા માણસ ને ! કૂતરા કૂતરીઓને વિવાહનાં અતૂટ બંધનમાં બાંધ્યા, એ ય ધામધૂમથી. પોતે પાકિસ્તાન ગયા તો કૂતરાઓને ય સાથે લઈ ગયા.

   એવું નથી કે આવા નવાબી શોખ આપણા જ નેતા અને રાજાને જ હોય. સદામ હુશૈનને તો ઓળખો ને ? આ જનાબ જેટલા પોતાની ક્રૂરતા માટે જાણીતા હતા  તેટલા તેના મોંઘાદાટ શોખ માટે ફેમસ હતા. એવું કહેવાય છે કે તેના બાથરૂમમાં સોનાનો નળ હતો. અને તે હાથ તેની ચલણની નોટોથી લૂછતો. પણ આપણે તો આમ જનતા કહેવાય. તેનાં દાખડા આપણે ન કરાય. કરવા જાઓ તો માથે એટલું દેવું બેસી જાય કે વ્યાજનાંય હપ્તા કરવા પડે. અખાતનાં એક દેશનાં પ્રિન્સ માટે તો રોજ દિ ઊગે ને લાખેણી પાર્ટી હોય. શાહી ઠાઠમાઠ જ હોય. રાહુલ મહાજન પણ એવા નવાબી હતા કે દિવસનાં સિતેર હજાર જેવી રકમ ઉડાડી દેતા.

   ઘણા સમયથી એરોપ્લેન મોડમાં જ રહેતા વિશ્વપ્રવાસી એવા શાઈનિંગ ઈન્ડિયાનાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેનાં હોમસ્ટેટ વાઈબ્રન્ટ ગુજરાતમાં આવેલ છે. તેઓ કચ્છનાં રણોત્સવ નિમિતે આવ્યા છે. કચ્છનાં રણમાં તેમનો બત્રીસ લાખનો ટેન્ટ અને વિશેષ એક લાખનો નળ ખાસ ચર્ચામાં છે. ઘણા વિરોધીઓ તો એવા ઉકળી ગયા છે અને કહેવા લાગ્યા છે કે ગરીબ દેશનાં પીએમને એક લાખનાં નળ સારા લાગે ? મારે તેમને એ કહેવું છે કે મોદીને ગરીબી હટાડવી છે પણ શરૂઆત પોતાથી કરવા માંગે છે.

   એક વાતનો જવાબ આપજો, જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તેનાં માટે શું રોજીંદી જ વાનગી બનાવો કે કંઈક સ્પેશિયલ હોય ? નેપકિન પણ નવું કાઢવાનાં જ હોય. મોદીસાહેબ પણ મહેમાન જ છે ને ? મહેમાન ને એમાંય વળી પીએમ. કેવા પીએમ ? આખી દુનિયામાં મોદીસાહેબ જ એક એવા પીએમ છે જેણે પૃથ્વીની ફરતે આટલી પરિક્રમા ટૂંક સમયમાં કરી હશે. અમે તો તેને જેમ મિલ્ખાસિંહને ફ્લાઈંગ શીખ કહે છે તેમ ફ્લાઈંગ પીએમ કહીશુ.

   હા, તો એ નળની વાત છે તો તમને એ જણાવી દઉં કે દેશનાં પીએમ આવે તો શું પંદર વીસ રૂપિયાનાં પ્લાસ્ટિકનાં નળ ફીટ કરી દેવાય ? અમેરિકાનાં મેડિસન સ્ક્વેરમાં ઢગલાબંધ ભારતીયોને સંબોધનાર મોદીસાહેબ માટે પંદર રૂપિયાનો પ્લાસ્ટિકનો નળ ???? જરા વિચારો, ઓબામાં આપણી અક્કલ લઈ જશે. મોદીસાહેબ સાદગીમાં માને છે. તેનું ભોજન પણ સાદુ હોય છે. સંસદની કેન્ટિનમાં તે 29/- ₹ માં ધરાઈ ગયા. પણ તેનાં ઉપવાસ ( સદભાવના ) એકદમ ફાઈવસ્ટાર હોય છે. તેનાં નળમાં પાણી કંઈ લોકલ નદીનું થોડું હોય ? એમાં તો લંડનની થેમ્સ, ઉતર આફ્રિકાની નાઈલ, દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીનું મિશ્રણ અને તેને ભારતીય ઓપ આપવા સ્પેશિયલ ગંગોત્રીથી લાવેલું  બે ટેન્કર પાણી તેમાં  ભરવામાં આવશે. થઈ ગયું ને લાખેણા નળનું લાખેણું પાણી ?

   મોદીસાહેબની કપડાની ફેશન અંગેની સૂઝ જોઈ રાહુલ ગાંધીને મારે એક જ સલાહ દેવી છે કે હવે તો દરજી બદલ. સાઈઝ કરતા દોઢું સીવી દે છે.

તોફાની #

મોદી સાહેબનાં સ્પેશિયલ વોટર ટેન્કથી રણનાં સાંઢિયાઓને દૂર જ રાખજો. એકવાર પણ જો તેનું પાણી પી ગયા ને તો પછી મોદીની જેમ હવામાં જ ઉડ્યા કરશે અને માલિકને દાદ પણ નહિ આપે. રખડતાં રખડતાં ક્યાંક પાકિસ્તાન પહોંચી જશે. નવાબી ઠાઠનાં શોખીન થઈ જશે તો શોખ પાળવા અઘરા પડી જશે. આ બધુ રાજા માણસોને પોષાય, આપણને નહિં. સમજ્યા ?

Posted from WordPress for Android